આજના રવિવારે છાપાની જાહેરાત વાંચી,
ફ્લેટ વેચવાનો છે ફ્કત 30 લાખમાં.
પોશ વિસ્તાર,
રોડ પર …
મોકાનું લોકેશન.
એ યુવાને જાહેરાત વાંચી અને પાલડી વિસ્તારની એ સોસાયટીમાં તેની પત્ની સાથે પેલો ફ્લેટ જોવા પ્રવેશ્યો. આખી સોસાયટી, લોકેશન, લોકો બધું ધ્યાનથી જોયું. એકસિબિલિટી પણ સારી હતી. જૂની અને લગડી સોસાયટીમાં હવા ઉજાસવાળો ફલેટ. ત્રીજા માળના એ 303 નંબરના ફ્લેટનો બેલ વાગ્યો..
એક આયા બાઈએ ફ્લેટનો દરવાજો ખોલ્યો અને આખોય ફ્લેટ બતાવ્યો.
ગેલેરી… કિચન… ફર્નિચર…પેસેજ…બધું જ ચોખ્ખું કાચ જેવું.
અંદરના રુમમાં એક ભૂરી આંખોવાળી, કરમાઈ ગયેલી ચામડીવાળી, પ્રભાવી એક મહિલા વ્હીલ ચેર પર બેઠી હતી.
યુવાન બોલ્યો : બા આ ફ્લેટ છેલ્લે તમારે કેટલામાં કાઢવો છે.
પહેલાં તો મને બા નહીં કહેવાનું. આઇ એમ અમૃતા. વૃદ્ધ મહિલાએ અડધેથી વાત કાપી નાંખી અને કહ્યું : ભાવ છાપામાં લખ્યો છે પણ પાંચ-પચીસ આમ તેમ થાય. પછી ચા માટે બૂમ પાડી: રેખા…ચા…લાવ અને આ છોકરી માટે પેલી ફરારો રોશેનીની ચોકલેટ આપ.
શાંતિથી બેસાય, પછી આ બધી વાત થાય
ધીમે ધીમે વાત આગળ ચાલી નોકરીની, ફલેટની હિસ્ટરીની, જીવનની મિસ્ટરીની, યુવાનીના શોખની, કેટલાંક જૂના આલબમો સુધી વાત વિસ્તરી ગઈ.
યુવાનનો સમય થયો એટલે બે કલાકે યુવાન અને તેની પત્ની ઊભા થયા.
આવજો કીધું અને પાછો વળ્યો, ફ્લેટમાં ઉતરતાં ઉતરતાં વિચાર આવ્યોકે આટલો મસ્ત ફ્લેટ, સારું લોકેશન, સસ્તો તોય કેમ વેચાતો નહીં હોય ?
લાવ સિકયુંરિટીવાળાને પૂછી જોઉં.
સિક્યુંરિટીવાળો તમાકું ઘસતાં ઘસતાં બોલ્યો : આ માજી ટાઈમપાસ કરે છે. કોઈ ઉઠવા બેસવા વાળું નથી તો છાપામાં એડ આપીને લોકોને બોલાવે છે. અલગ અલગ એડ આપે છે, કયારેક ફ્રીજની, ક્યારેક કપબોર્ડની તો ક્યારેક ઘરની. બસ ટાઈમ પાસ કરે છે. જે આવે છે તેને સારું ખાવા ખવડાવે છે અને ૧-૨ કલાક સુધી વાતો કર્યા કરે છે. તમને પેલી ફોરેનવાળી ચોકલેટ ખવડાવી હશે નઈ! એમનો દીકરો પરદેશમાં રહે છે ત્યાંથી મોકલાવે છે. આને ટાઈમપાસ કહેવું કે એકલતાનો ઈલાજ!!
બાકી સત્ય એ છે કે માણસ પાસે બધો જ વૈભવ હોય પણ પાસે ઘડીક બેસવા વાળું કોઈ ન હોય તો એના જેવી ગરીબી બીજી કોઈ નથી..😪
જીવનના લાસ્ટ ફેઝ માટે સારા મિત્રો બનાવી રાખજો તો કદાચ જો જીવનસાથીનો સાથ છૂટી જાય તો મિત્રો સાથેની બેઠક ઘડપણની લાકડી બની રહેશે..