આપણાં નજીદીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતા હોય છે. તેનું કારણ શું ? અને તેવે વખતે શું કરવું ? જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે. લેણદેણનાં સંબંધ વગર કોઈની આંખેય મળતી નથી. કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ સાથીદાર ? કોણ ભાઈ બહેન ? કોણ પુત્ર-પુત્રવધુ ? કોણ દીકરી-જમાઈ ? કોણ પાડોશી ? કોણ સગાં-વ્હાલાં ? આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં પૂર્વ કૃત કર્મ પ્રમાણે નક્કી થઈ જાય છે.
જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે. તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેય કે ક્યારેક જીવ સાથે વેર બાંધ્યું હશે. ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોય પણ હું ક્યાં જાણું છું કે પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે. આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું તો જ આ વેરની ગાંઠ ભેદાશે નહિ તો જન્મોજન્મ ચાલી આવશે. ના… ના… મહાવીરનો કર્મવાદ સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતાભાવે વેદવાની, હે… પ્રભુ, શક્તિ આપ… શક્તિ આપ…
ક્યારેય કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે. આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગના સંબંધ ઉદયમાં હોય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગના કર્મોના ગુણાકાર થઈ જશે. જ્યારે દ્વેષના કર્મ ઉદયમાં હોય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી. બંને સંબંધો સમતાભાવે વેદવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી.
કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને બચકાં ભરવા નહીં જતાં. મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ સ્વીકાર. હસતે મોઢે સ્વીકાર. આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.
ખુદ મહાવીર ભગવાનને એમનાં દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં. તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ? જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ? તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ? પાર્શ્વનાથ ભગવાનને એમનો સગો ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવાવાળો બન્યો. એક નાની સરખી વેરની ગાંઠ કેટલું મોટું વૃક્ષ બન્યું ? ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો ખુદનો દીકરો જ તેમના વિરુદ્ધમાં હતો. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા. આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે કસોટી તો સોનાની જ હોય પિત્તળની ના હોય. અગર હું પિત્તળની કક્ષામાં છું, તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું. અગર, હું સોનાની કક્ષામાં છું તો જાતને ભગવાનને ભરોસે છોડી દેવી.
મહાવીરનો કર્મવાદ સમજ્યા પછી દરેક દરેક જીવ આપણી સાથે હિસાબ જ પૂરો કરવા આવે છે તેમ સમજી હ્રદયમાં સમતા ધારણ કરવી. છતાં પણ આ જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે વ્યક્તિ ઉપર કે નિમિત્ત ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય, છતાં બને તેટલાં જલ્દી ભાનમાં આવી જઈ હૃદયથી દુશ્મનની પણ ક્ષમા માંગી લેવી. બને તેટલું આત્મભાવમાં લીન થવું તેથી કર્મ વેદાશે.