changes in my life in the last decade

મારા જીવન માં છેલ્લા દસકામાં આવેલા બદલાવો.

0 Shares
0
0
0

વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી. વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી ખેંચાતો થયો છું.

ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.

નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.

કોઈ ધાર્મિક સ્થળે દાન આપી પોતાના નામની તકતી મરાવવા કરતાં નાના બાળકોને જમાડવા કે મદદ કરવી અને અબોલ પશુ પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવામાં વધારે ખુશી મળે છે.

વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાય ગયું છે.

હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.

લાગણીઓની અભિવ્યક્તિ કરતા ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.

હુસાતુસી માં સંબંધો તોડવા કરતાં થોડો સમય આપતા શીખી ગયો છું. મોટેભાગે સમય સાથે સબંધોમાં પડેલી તિરાડ પૂરાઈ જતી જોઈ છે.

હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક અને થાઈ ફૂડ કરતાં માખણ અને બાજરાના રોટલા માં સંતોષ થાય છે.

પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.

અસ્તુ: !!

You May Also Like