જીવન જીવવાની કળા – વિપશ્યના સાધના (Gujarati language)

જીવન જીવવાની કળા – વિપશ્યના સાધના (Gujarati language)

બર્ન, સ્વિત્ઝરલેન્ડમાં શ્રી સત્ય નારાયણ ગોયન્કાજી ના પ્રવચન પર આધારિત.

બધા સુખ શાંતિને ઈચ્છે છે કારણકે સાચી સુખ શાંતિ આપણા જીવનમાં હોતી નથી. આપણે બધા ક્યારેકને ક્યારેક દ્વેષ, દૌર્મનસ્ય, ક્રોધ, ભય, ઈર્ષ્યા આદિથી દુખી થતા હોઈએ છીએ. અને જયારે આપણે દુખી થઈએ છીએ ત્યારે આ દુઃખ આપણે આપણા પોતાના જ સુધી સીમિત રાખતા નથી. જયારે કોઈ વ્યક્તિ દુખી થાય છે ત્યારે તે આસપાસના આખા વાતાવરણને અપ્રસન્ન બનાવી દે છે, અને એની સાથે સંપર્કમાં આવનાર લોકો પર પણ એની અસર થતી હોય છે.

સાચેમાંજ આ રીતે જીવન જીવવું યોગ્ય નથી.બધાને પોતાનું જીવન શાંતિપૂર્વક જીવવાની અને બીજા બધા માટે શાંતિનું નિર્માણ કરવાની ઈચ્છા હોય છે. આખરે આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજમાં રહેવું છે અને સમાજની અન્ય વ્યક્તિઓની સાથે પારસ્પરિક સંબંધ પણ રાખવો છે. આવી સ્થિતિમાં આપણે કેવી રીતે શાંતિપૂર્વક આંતરિક સુખ શાંતિનું જીવન જીવીશું અને આપણી આસપાસ પણ શાંતિ અને સૌમનસ્યતાનું વાતાવરણ બનાવીશું કે જેથી કરીને સમાજના અન્ય લોકો પણ સુખ શાંતિનું જીવન જીવી શકે?આપણું દુ:ખ દૂર કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે અશાંત અને બેચેન કેવી રીતે બનીએ છીએ. ઊંડાઈમાં જઇને ધ્યાનથી જોતા બિલકુલ સ્પષ્ટ થશે કે જયારે આપણું મન વિકારોથી વિકૃત બને છે ત્યારે તે અવશ્ય અશાંત થઈ જાય છે.

આપણું મન વિકારોથી ભરેલું હોય અને આપણે સુખ અને સૌમનસ્ય્તાનો અનુભવ કરતા હોઈએ એ વાત અસંભવ છે.આ વિકારો કેમ આવે છે, કેવી રીતે આવે છે? ફરીથી ઊંડાઈમાં જઈને ધ્યાનથી જોવાથી સ્પષ્ટ થશે કે જયારે પણ કોઈ અણગમતી ઘટના ઘટે છે ત્યારે તેની પ્રતિક્રિયા સ્વરૂપે વિકારો આવે છે, જેમ કે જયારે કોઈ વ્યક્તિ આપણી સાથે મનધ્યારો વ્યવહાર નથી કરતી. અણગમતી ઘટના ઘટવાની સાથે જ આપણે તણાવગ્રસ્ત થઇ જઈએ છીએ. મનગમતું ના થાય, મનગમતું થવામાં કોઈ વિધ્ન નડે, તો પણ આપણે તણાવગ્રસ્ત થતા હોઈએ છીએ, અને આપણી અંદર ગાંઠો બાંધવા માંડીએ છીએ.

જીવનભર અણગમતી ઘટનાઓ તો થતી જ રહેતી હોય છે, મનગમતું કોઈક વાર થાય અને કોઈક વાર ન પણ થાય, પરંતુ જીવનભર આપણે પ્રતિક્રિયા કરતા, ગાંઠો બાંધતા રહેતા હોઈએ છીએ. આપણું આખું શરીર અને માનસ એટલા વિકારોથી, એટલા તણાવથી, ભરાઈ જતું હોય છે કે આપણું જીવન દુઃખમય બની જાય છે.આ દુઃખથી બચવાનો એક ઉપાય એ છે કે જીવનમાં કશું અણગમતું થવા જ ના દઈએ અને ઇચ્છીએ કે બધું મનગમતું જ થાય.

ક્યાંતો આપણે એવી કોઈ શક્તિ જગાવીએ અથવાતો પછી કોઈ આપણા મદદગાર પાસે એવી કોઈ તાકાત હોય કે જેથી અણગમતું થવા જ ના દે અને એ આપણી બધી મનોકામનાઓ પૂરી કરી દે. પરંતુ આ અસંભવ છે. વિશ્વમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેની બધી ઇચ્છાઓ પૂરી થયેલી હોય, કે જેના જીવનમાં મનગમતું જ થતું હોય અને ક્યારેય અણગમતું થતું જ ના હોય. જીવનમાં અનિચ્છનીય, અણગમતું તો થતું જ હોય છે.

આથી કરીને એક પ્રશ્ન ઉઠે છે કે, “કેવી રીતે આપણે વિષમ પરિસ્થિતિઓની સામે અંધપ્રતિક્રિયા ના કરીએ? કેવી રીતે આપણે તણાવગ્રસ્ત થયા વગર આપણા મનને શાંત અને સંતુલિત રાખી શકીએ?”

ભારત અને ભારતની બહાર પણ એવા કેટલાય સંત પુરુષો થઈ ગયા કે જેઓએ આ સમસ્યાના – મનુષ્ય જીવનના દુઃખની સમસ્યાના, સમાધાનની શોધ કરી. તેઓએ એક એવો ઉપાય બતાવ્યો કે જયારે કશું અનિચ્છનીય થાય અને મનમાં ક્રોધ, ભય અથવા કોઈ અન્ય વિકારની પ્રતિક્રિયા શરૂ થાય તેની સાથે જ જલ્દીમાં જલ્દી પોતાના મનને કોઈ બીજા કામમાં પરોવી દો.

ઉદાહરણ તરીકે ઉઠીને એક પ્યાલો પાણી પીવાનું શરૂ કરી દો – તમારો ગુસ્સો વધશે નહી, ઓછો થઇ જશે. અથવા આંકડા ગણવાના શરૂ કરી દો – એક, બે, ત્રણ, ચાર. અથવા કોઈ શબ્દ કે મંત્ર કે જપ કે પછી જેના પ્રત્યે તમારા મનમાં શ્રદ્ધા હોય એવા કોઈ દેવતા કે સંત પુરુષનું નામ જપવાનું શરૂ કરી દો. મન બીજા કોઈ કામમાં પરોવાઈ જશે અને થોડીક હદ સુધી તમે વિકારોથી, ક્રોધથી મુક્ત થઈ જશો.આનાથી મદદ થઈ. આ ઉપાય કામમાં આવ્યો. આજે પણ કામમાં આવે છે. એવું લાગે છે કે મન વ્યાકુળતાથી મુક્ત થયું. પરંતુ આ ઉપાય કેવળ માનસના ઉપર ઉપરના સ્તર પર જ કામ કરતો હોય છે.

વસ્તુત: આપણે વિકારોને અંતરમનની ઊંડાઈઓમાં દબાવી દેતા હોઈએ છીએ, જ્યાં એમનું પ્રજનન અને સંવર્ધન ચાલતું રહે છે. પોતાના માનસ ઉપર શાંતિ અને સૌમનસ્યાતાનો એક લેપ લાગી જાય છે. પરંતુ માનસની ઊંડાઈઓમાં દબાયેલા વિકારોનો સુપ્ત જ્વાળામુખી તો એવો ને એવો જ પ્રજ્વલિત રહે છે. જે સમય પાકતા અવશ્ય ફાટી નીકળશે.આંતરિક સત્યની શોધ કરનારા કેટલાક વૈજ્ઞાનિકોએ આની ઉપર વધુ આગળ શોધ કરી. પોતાના મન અને શરીરની સચ્ચાઈનો આંતરિક અનુભવ કર્યો. તેમણે જોયું કે મનને બીજા કામમાં પરોવવું એટલે કે સમસ્યાથી દૂર ભાગવું છે. પલાયન થવું એ સાચો ઉપાય નથી. એના બદલે સમસ્યાઓનો સામનો કરવો જરૂરી છે. મનમાં જયારે વિકાર જાગે છે, ત્યારે તેને જુઓ, એનો સામનો કરો. જેવું વિકારને જોવાનું શરૂ કરી દેશો તેની સાથે જ તે વિકાર ક્ષીણ થતો જશે અને ધીરે ધીરે એનો ક્ષય થઇ જશે.આ સારો ઉપાય છે કે જે દમન અને ખુલ્લી છૂટ એ બંને અતિઓને ટાળે છે.

વિકારોને અંતરમનની ઊંડાઈઓમાં દબાવવાથી એમનું નિર્મૂલન નથી થતું હોતું. વિકારોને અકુશળ શારીરિક તથા વાચિક કર્મો દ્વારા ખુલ્લી છૂટ આપવાથી તો વળી સમસ્યા અધિક વધતી હોય છે. પરંતુ આ જ વિકારોને આપણે કેવળ માત્ર જોઈએ તો તેમનો ક્ષય થતો જશે અને એમનાથી આપણને છુટકારો મળતો જશે.કહેવું તો ઘણું સહેલું છે પણ કરવું ઘણું અઘરું. પોતાના વિકારોનો સામનો કરવો એ સહેલી વાત નથી. જયારે ક્રોધ જાગે છે ત્યારે એવી રીતે માથા પર સવાર થતો હોય છે કે આપણને એની ખબર સુધ્ધાં રહેતી નથી. ક્રોધથી અભિભૂત થઈને આપણે એવા શારીરિક અને વાચિક કર્મ કરી બેસીએ છીએ કે જેનાથી આપણી પણ હાનિ થતી હોય છે અને બીજાની પણ. જયારે ક્રોધ જતો રહે છે ત્યારે આપણે રડીએ છીએ અને પછતાઈએ છીએ, જે વ્યક્તિની હાનિ થઇ હોય તેની કે પછી ભગવાનની ક્ષમાયાચના માંગીએ છીએ – “મારી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દો.” પરંતુ જયારે ફરી આવી જ સ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે આપણે ફરીથી આવી જ પ્રતિક્રિયા કરીએ છીએ. વારંવાર પશ્ચાતાપ કરવાથી કોઈ લાભ થતો હોતો નથી.આપણી મુશ્કેલી એ છે કે જયારે વિકાર જાગે છે ત્યારે આપણે હોશ ખોઈ બેસીએ છીએ.

વિકારોનું પ્રજનન માનસની તલસ્પર્શી ઊંડાઈઓમાં થતું હોય છે અને જ્યાંરે એ વિકાર માનસના ઉપરી સ્તરો પર પહોંચે છે ત્યારે તો એટલા બળવાન થઇ ગયા હોય છે કે આપણા એનાથી અભિભૂત થઇ જઈએ છીએ. આ સમયે આપણે એમને જરાય જોઈ શકતા જ નથી.તો ધારો કે કોઈ પ્રાઈવેટ સેક્રેટરી સાથે રાખી લઈએ જે આપણને યાદ કરાવે, “જુઓ માલિક, તમને ક્રોધ આવ્યો છે, તમે ક્રોધને બસ જોયા કરો.”

કારણકે ક્રોધ દિવસના ચોવીસ કલાકમાં ક્યારેય પણ આવી શકે, તો તેથી કરીને ત્રણ પ્રાઈવેટ સેક્રેટરીઓને નોકરીમાં રાખી લઈએ. સમજીલો કે રાખી પણ લીધા. ક્રોધ ફરી આવ્યો અને સેક્રેટરી કહેશે, “જુઓ માલિક, તમને ક્રોધ આવ્યો છે.”

તો પહેલું કામ તો એ કરીશું કે એને જ ધમકાવીશું. “મૂરખ ક્યાંકનો, મને વળી પાછો શીખવાડે છે?” ક્રોધથી આપણે એટલા અભિભૂત થઇ ગયેલા હોઈએ છીએ કે એ સમયે કોઈ સલાહ કશું જ કામમાં આવતી નથી.માનીલો કે આપણે સભાન થઈને સેક્રેટરીને લઢીએ નહી. એને એમ કહીએ કે “બહુ સારું કર્યું કે યાદ કરાવ્યું, હું હવે ક્રોધનું ફક્ત દર્શન કરીશ. એના પ્રતિ પૂર્ણ સાક્ષીભાવ રાખીશ.” શું આ સંભવ છે?

જેવા આંખો બંધ કરીને ક્રોધને જોવાનો પ્રયત્ન કરીશું તો તેની સાથે જ જે વાતને કારણે ક્રોધ જાગ્યો હતો એ વાત વારંવાર, એજ વ્યક્તિ, એજ ઘટના, મનમાં આવ્યા કરશે. આપણે ક્રોધને નહી પણ ક્રોધના આલંબનને જોયા કરીશું. આનાથી તો ક્રોધ અધિક વધશે. આ કોઈ ઉપાય ના થયો.

આલંબનને દૂર કરીને કેવળ વિકારને જોયા કરવું એ જરાય સહેલું નથી.પરંતુ જયારે કોઈ વ્યક્તિ પરમ મુક્ત અવસ્થા પર પહોંચે છે ત્યારે એ સાચો ઉપાય બતાવે છે. આવી વ્યક્તિ શોધી કાઢે છે કે જયારે મનમાં કોઈ વિકાર જાગે છે ત્યારે શરીર પર બે ઘટનાઓ તત્કાલીન શરૂ થઈ જતી હોય છે. એક એ કે શ્વાસની પોતાની નૈસર્ગિક ગતિ બદલાઈ જાય છે. જેવો મનમાં વિકાર જાગે કે શ્વાસ તેજ અને અનિયમિત થઇ જાય છે. આ જોવું ઘણું આસાન બને છે.

બીજું એ કે શરીરમાં સુક્ષ્મ સ્તર પર એક જૈવરાસાયણિક પ્રક્રિયા શરૂ થઇ જાય છે જેના પરિણામ સ્વરૂપ સંવેદનાઓનું નિર્માણ થતું હોય છે. દરેક વિકાર શરીર પર કોઈ ને કોઈ સંવેદના ઉત્પન્ન કરતો હોય છે.આ પ્રાયોગિક ઉપાય થયો.

એક સામાન્ય વ્યક્તિ અમૂર્ત વિકારોને જોઈ શકતો નથી – અમૂર્ત ભય, અમૂર્ત ક્રોધ, અમૂર્ત વાસના વગેરે.

પરંતુ યોગ્ય પ્રશિક્ષણ અને પ્રયાસ કરે તો સહેલાઈથી શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓને જોઈ શકે છે.

આ બન્નેનો (શ્વાસ અને સંવેદનાઓનો) મનના વિકારો સાથે સીધો સંબંધ છે.શ્વાસ અને સંવેદનાઓ બે રીતે મદદ કરે છે. એક તો એ કે એ પ્રાઇવેટ સેક્રેટરીનું કામ કરે છે. જેવો મનમાં વિકાર જાગે છે કે તેની સાથે શ્વાસની સ્વાભાવિકતા જતી રહે છે અને તે આપણને સૂચવે છે કે, “જુઓ, કાંઈક ગરબડ છે.” શ્વાસને તો આપણે લઢી પણ નહી શકીએ. આપણે એની ચેતવણી, એની સૂચના માનવી જ પડશે. આવી જ રીતે સંવેદનાઓ આપણને સૂચવે છે કે, “કશુંક ખોટું થઇ રહ્યું છે.” બન્ને ચેતવણીઓ મળ્યા પછી આપણે શ્વાસ અને સંવેદનાઓને સહેલાઈથી જોઈ શકીએ છીએ. આમ કરવાથી આપણે જોઈ શકીશું કે વિકાર જલ્દીમાં ક્ષીણ થઈ જાય છે.શરીર અને મનનો આ પારસ્પરિક સંબંધ એક જ સિક્કાના બે પાસાઓ સમાન છે.

એક તરફ મનમાં ઉઠતા વિચાર અને વિકાર, અને બીજી તરફ શ્વાસ અને શરીર પર થતી સંવેદનાઓ. મનમાં વિચાર કે વિકાર જાગતાની સાથે જ તત્ક્ષણ તે શ્વાસ અને સંવેદનાઓને પ્રભાવિત કરતા હોય છે. આજ રીતે શ્વાસ અને સંવેદનાઓને આપણે જોતાની સાથે જ વિકારોને પણ જોઈ શકીએ છીએ. આ રીતે અભ્યાસ કરવાથી આપણે પલાયન નથી થતા, વિકારોને આમુખ થઈને સચ્ચાઈનો સામનો કરીએ છીએ.

આપણે શીઘ્ર જોઈશું કે વિકારોની તાકાત ઓછી થતી જાય છે અને પહેલાની માફક આપણે વિકારોથી અભિભૂત નથી થતા. જો આપણે આ અભ્યાસ સતત કરતા રહીશું તો વિકારોનું સર્વથા નિર્મૂલન થઇ જશે. વિકારોથી મુક્ત થતા થતા આપણે સુખ અને શાંતિનું જીવન જીવવા લાગીશું…આ પ્રકારે આત્મનિરિક્ષણની આ વિદ્યા આપણને અંદર અને બહારની બન્ને સચ્ચાઈઓની જાણ કરાવે છે.

પહેલાં આપણે કેવળ બહિર્મુખી રહેતા હતા અને અંદરની સચ્ચાઈને જાણી શકતા નહતા. પોતાના દુ:ખનું કારણ હંમેશા બહાર શોધતા હતા. બહારની પરિસ્થિતિઓને મૂળભૂત કારણ માની એમને બદલવાનો પ્રયત્ન કરતા હતા. અંદરની સચ્ચાઈ વિષે અજ્ઞાત રહેતા હોવાના કારણે આપણે એ સમજી નહતા શકતા કે આપણા દુ:ખનું કારણ આપણી અંદર છે. તે કારણ એ છે કે સુખદ અને દુ:ખદ સંવેદનાઓ પ્રત્યેની આપણી જ આંધળી પ્રતિક્રિયા.હવે અભ્યાસને કારણે આપણે સિક્કાના બીજા પાસાને જોઈ શકીશું. આપણે શ્વાસને પણ જાણી શકીશું અને ઊંડાણમાં શું થઇ રહ્યું છે તે પણ. શ્વાસ હોય કે સંવેદના, આપણે એને માનસિક સંતુલન ગુમાવ્યા વગર જોઈ શકીશું.

પ્રતિક્રિયા બંધ થાય છે તો દુઃખનું સંવર્ધન પણ બંધ થાય છે. તદુપરાંત જયારે વિકારો જાગે છે ત્યારે એમની નિર્જરા થતી જાય છે, એમનો ક્ષય થતો જાય છે.

આ વિદ્યામાં જેમ જેમ પરિપક્વ થતા જઈએ છે તેમ તેમ વિકારોનો શીઘ્ર ક્ષય થવા લાગે છે. ધીરે ધીરે મન વિકારોથી મુક્ત થતું જાય છે. શુધ્ધ ચિત્ત હંમેશા પ્રેમથી ભરેલું રહે છે – બધાં પ્રત્યે મંગળ મૈત્રી, બીજાંના અભાવ અને દુઃખ પ્રતિ કરુણા, બીજાના યશ અને સુખ પ્રતિ મુદિતા અને હરએક સ્થિતિમાં સમતા.

જયારે કોઈ વ્યક્તિ આ અવસ્થા પર પહોંચે છે તો પૂરૂં જીવન બદલાઈ જાય છે. શરીર અને વાણીના સ્તર પર કોઈ એવું કામ નથી થઇ શકતું કે જેનાથી બીજાની સુખ શાંતિનો ભંગ થાય. સંતુલિત મન શાંત થઇ જાય છે અને પોતાની આસપાસ સુખ અને શાંતિના વાતાવરણનું નિર્માણ કરવા માંડે છે. બીજા લોકો તેઓથી પ્રભાવિત થતા હોય છે.

બીજાને પણ તેઓથી મદદ થવા લાગે છે.જયારે આપણે ઊંડાણમાં અનુભવાતી દરેક સ્થિતિમાં મનને સંતુલિત રાખીએ છીએ, ત્યારે કોઈ પણ બાહ્ય પરિસ્થિતિનો સામનો તટસ્થભાવથી કરી શકીએ છીએ. આ તટસ્થભાવ પલાયનવાદ નથી, કે નથી દુનિયાની સમસ્યાઓના પ્રતિ ઉદાસીનતા કે અવગણના.

વિપશ્યનાનો (Vipassana) નિયમિત અભ્યાસ કરનાર બીજાના દુખો પ્રતિ અધિક સંવેદનશીલ થતા હોય છે.

તદુપરાંત વ્યાકુળતા વગર મૈત્રી, કરુણા અને સમતા સભર ચિત્તથી બીજાના દુખોને દુર કરવા દરેક રીતે પ્રયત્નશીલ બનતા હોય છે. એમનામાં એક પવિત્ર તટસ્થતા આવતી હોય છે, કે જેથી કરીને તેઓ મનનું સંતુલન ગુમાવ્યા વગર બીજાની મદદ કરવામાં પૂર્ણ રૂપે વચનબધ્ધ બની રહે છે.

આ પ્રકારે બીજાની સુખ શાંતિ માટે પ્રયત્નશીલ બનીને તેઓ સ્વયં સુખી અને શાંત રહે છે.આ જ ભગવાન બુદ્ધની શિક્ષા છે – જીવન જીવવાની કળા. એમણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરી નહતી. એમણે એમના શિષ્યોને કોઈ મિથ્યા કર્મકાંડ શીખવાડ્યા નહતા. ઉલટાનું ઊંડાણની નૈસર્ગિક સચ્ચાઈઓને જોતા એમણે શીખવાડ્યું હતું. અજ્ઞાનતાથી વશ આપણે પ્રતિક્રિયા રત હોઈએ છીએ, તો પોતાની હાની કરીએ છીએ અને બીજાની પણ. જયારે સચ્ચાઈ, જેવી છે એવી, જોવાની પ્રજ્ઞા જાગૃત થાય છે તો અંધ પ્રતિક્રિયાનો સ્વભાવ દૂર થતો જાય છે. ત્યાર પછી આપણે સાચી ક્રિયા કરતા થઈએ છીએ – એવાં કામ કરીએ છીએ કે જેનો ઉદગમ સચ્ચાઈને જોનાર અને સમજનાર ચિત્તમાં થતો હોય છે. આવાં કામ સકારાત્મક અને સુર્જનાત્મક હોય છે, આત્મહિતકારી તથા પરહિતકારી.દરેક સંત પુરુષની શિક્ષા રહી છે કે પોતાની જાતને જાણવી, ઓળખવી. પરંતુ કેવળ કલ્પના, વિચાર કે અનુમાનના સ્તર પર નહીં, ભાવિક થઈને કે ભક્તિભાવથી નહીં, જે સાંભળ્યું છે કે વાંચ્યું છે એના પ્રત્યે અંધમાન્યતાના કારણસર નહીં. આવું જ્ઞાન કાંઈ કામનું નથી હોતું. પોતાની સચ્ચાઈને તો અનુભવના સ્તર પર જાણવી જરૂરી છે.

શરીર અને મન વચ્ચેના પરસ્પર સંબંધનો પ્રત્યક્ષ અનુભવ કરવો જરૂરી છે.

આ અનુભવોના સહારે આપણે પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકીશું.પોતાના વિષે આ ક્ષણનું જે પણ સત્ય છે, બિલકુલ જે છે બસ તે જ, જોવું, તેના સાચા સ્વભાવને જાણવું, સમજવું, એ જ વિપશ્યના છે.

ભગવાન બુદ્ધના સમયની ભારતની જનભાષામાં જોવાને કહેતા હતા પસ્સના (પશ્યના / passana), ખુલ્લી આંખોથી જે સામાન્યત: જોઈએ છીએ તે.

પરંતુ વિપસ્સના (વિપશ્યના) નો અર્થ થાય છે કે જે વસ્તુ જેવી છે એને એવી જ એના સાચા રૂપમાં જોવી, કેવળ ઉપર ઉપરથી જે પ્રતિત થાય છે તે નહીં. ભાસમાન સત્યથી પર સમગ્ર શરીર અને મનના વિષે પરમાર્થ સત્યને જાણવું એ આવશ્યક છે.

જયારે આપણે આ સચ્ચાઈનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણો અંધ પ્રતિક્રિયાનો સ્વભાવ બદલાય છે, વિકારોનું પ્રજનન બંધ થાય છે, અને આપોઆપ જુના વિકારોનું નિર્મૂલન થતું જાય છે.

આપણે દુઃખોથી છુટકારો પામીએ છીએ અને સાચા સુખનો અનુભવ કરવા લાગીએ છીએ.વિપશ્યના સાધના ની શિબિરમાં અપાતા પ્રશિક્ષણના ત્રણ સોપાન છે.

1) એક, એવા શારીરિક અને વાચિક કર્મોથી વિરત રહો કે જેનાથી બીજાની સુખ-શાંતિનો ભંગ થતો હોય. વિકારોથી મુક્તિ મેળવવાનો અભ્યાસ આપણે કરી શકવાના નથી જો બીજી બાજુ આપણા શારીરિક અને વાચિક કર્મો દ્વારા વિકારોનું સંવર્ધન થઇ રહ્યું હોય. આ કારણસર શીલની આચાર સંહિતા આ અભ્યાસનું પહેલું મહત્વપૂર્ણ સોપાન છે.

જીવ-હત્યા, ચોરી, કામસંબંધી મિથ્યાચાર, અસત્ય ભાષણ અને નશાના સેવનથી વિરત રહેવું – આ શીલોનું પાલન નિષ્ઠાપૂર્વક કરવાનો નિર્ધાર કરવાનો હોય છે.

શીલ પાલનના કારણે મન કેટલીક હદ સુધી શાંત થાય છે અને આ પછી આગળનું કામ કરવાનું સંભવ બનતું હોય છે.

2) આગલું સોપાન છે, આ જંગલી મનને એક (શ્વાસના) આલંબન પર લગાવીને વશ કરવું. જેટલું બની શકે એટલું, લાંબામાં લાંબો સમય, મનને શ્વાસ પર ટકાવી રાખવાનો અભ્યાસ કરવાનો હોય છે.

આ શ્વાસની કસરત નથી કે શ્વાસનું નિયંત્રણ નથી. પરંતુ નૈસર્ગિક શ્વાસને જોવાનો હોય છે, જેવો છે તેવો, જેવો જે રીતે અંદર આવી રહ્યોં છે, જેવો જે રીતે બહાર જઈ રહ્યોં છે. આ અભ્યાસથી મન ઘણું શાંત પડતું જાય છે અને તીવ્ર વિકારોથી અભિભૂત થતું હોતું નથી.

સાથે સાથે મન એકાગ્ર થાય છે, તીક્ષ્ણ થાય છે, પ્રજ્ઞાના કામને લાયક થતું જાય છે.શીલ અને મનને વશ કરવાના આ બે સોપાન એમના પોતાનામાં જરૂરી પણ છે અને લાભદાયી પણ. પરંતુ જો આપણે ત્રીજું પગલું નહી ઉઠાવીએ તો વિકારોનું દમન માત્ર થઈને રહી જશે.

3) આ ત્રીજું પગલું, ત્રીજું સોપાન એ છે કે પોતાના વિષેની સચ્ચાઈને જાણીને વિકારોના નિર્મૂલન દ્વારા મનનું શુધ્ધિકરણ. આ વિપશ્યના છે – સંવેદનાના રૂપમાં પ્રકટ થતા સતત પરિવર્તનશીલ મન અને શરીરના પરસ્પર સંબંધને સુવ્યવસ્થિત વિધિથી અને સમતાથી જોતા પોતાના વિષેની સચ્ચાઈનો અનુભવ કરવો.

આ ભગવાન બુદ્ધની શિક્ષાનું ચરમબિંદુ છે – આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુધ્ધિ.બધા આ વિદ્યાનો અભ્યાસ કરી શકે છે. બધા દુખીયારા છે. આ સાર્વજનીન રોગનો ઉપાય પણ સાર્વજનીન હોવો જોઈએ, નહી કે સાંપ્રદાયિક. જયારે કોઈ ક્રોધથી પીડિત થતું હોય છે તો એ બુદ્ધ ક્રોધ, હિંદુ ક્રોધ કે ઈસાઈ ક્રોધ નથી હોતો. ક્રોધ ક્રોધ છે. ક્રોધ ને કારણે જે વ્યાકુળતા આવે છે, એને ઈસાઈ, યહુદી કે મુસ્લિમ વ્યાકુળતા નહી કહી શકાય. રોગ સાર્વજનીન છે.

ઉપાય પણ સાર્વજનીન હોવો જોઈએ.

વિપશ્યના આવો સાર્વજનીન ઉપાય છે.

બીજાની સુખ શાંતિ ભંગ ના કરવી એ શીલ પાલનનો કોઈ વિરોધ નહી કરે. મનને વશમાં કરવાના અભ્યાસનો કોઈ વિરોધ નહી કરે.

પોતાના વિષેની સચ્ચાઈને જણાવતી પ્રજ્ઞાનો, જેનાથી મનના વિકાર દૂર થતા હોય છે, કોઈ વિરોધ નહી કરે.

વિપશ્યના સાર્વજનીન વિદ્યા છે.

અંદરની સચ્ચાઈ, સત્ય જેવું છે એવું, આપણે પોતે પ્રત્યક્ષ અનુભવથી જાણવાનું છે. ધીરજપૂર્વક પ્રયત્ન કરતા કરતા આપણે વિકારોથી મુક્તિ મેળવવાની છે.

સ્થુળ ભાસમાન સત્યથી શરુઆત કરીને સાધક શરીર અને મનના પરમસત્ય સુધી પહોંચે છે. ત્યાર પછી આનાથી પણ આગળ, સમય અને સ્થાનની પર, સંસ્કૃત સાપેક્ષ જગતની પર – વિકારોથી પૂર્ણ મુક્તિનું સત્ય, બધા દુઃખોથી પૂર્ણ મુક્તિનું સત્ય, આ પરમસત્યને ભલે કોઈ પણ નામે ઓળખીએ – બધાના માટે આ અંતિમ લક્ષ્ય છે.

સર્વ આ પરમસત્યનો સાક્ષાત્કાર કરે.

સર્વ પ્રાણી દુઃખોથી મુક્ત થાય.

સર્વ પ્રાણી શાંત થાય, સુખી થાય.સર્વનું મંગળ થાય.

Professionals’ Questions and Answers – Guruji S N Goenkaji

Q: How can professionals, who have less time, practice meditation?
A: Meditation is all the more important for professionals! Those who are householders, who have responsibilities in life, need Vipassana much more, because they have to face situations in life where there are so many vicissitudes. They become agitated because of these vicissitudes. If they learn Vipassana, they can face life much better. They can make good decisions, right decisions, correct decisions, which will be very helpful to them. For professionals, executives, and other people with responsibilities, Vipassana is a great boon.

Source: The Gracious flow of Dhamma, for details visit: www.vridhamma.org